અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વરી નગર સોસાયટીમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઉઠે. એક જનેતાથી પોતાની જ ત્રણ મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઇ હતી અને ઘટના બાદ ગભરાયેલી માતાએ દીકરી ગુમ થઈ હોવાનું નાટક કર્યું હતું, પરંતુ પોલીસની સઘન પૂછપરછમાં સત્ય બહાર આવતા માતા મોનિકા મકવાણાની ધરપકડ કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
બનાવની વિગત મુજબ, 27મી માર્ચના રોજ જ્યારે ઘરના અન્ય સભ્યો બહાર હતા, ત્યારે મોનિકાએ પાણીની ટાંકી ભરવા માટે મોટર ચાલુ કરી હતી. મોનિકાના જણાવ્યા મુજબ, તે સમયે તેનું બેલેન્સ બગડતા કેડમાં રહેલી બાળકી ટાંકીમાં પડી ગઈ હતી. જોકે, બાળકીને બચાવવાને બદલે સાસુ-સસરા અને પતિના ડરથી તેણે ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર તપેલું મૂકી દીધું હતું. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેણે દીકરી ગુમ હોવાનું જણાવી શોધખોળનું નાટક કર્યું. અંતે પરિવારે ટાંકી તપાસતા માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.













