શહેરમાં સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની સેટેલાઇટ પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેણે ક્યુઆર (QR) કોડમાં ચાલાકીપૂર્વક ફેરફાર કરીને જાણીતી ટ્રાવેલ્સ કંપની સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. ઉન્નતિ પટેલ નામની આ મહિલાએ કુલ ₹33.87 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

સેટેલાઇટ પોલીસે મહિલાની ધરપકડ કરી

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઉન્નતિ પટેલે જાણીતી એજન્સી 'અજય મોદી ટ્રાવેલ્સ'ની ફ્રેન્ચાઇઝી મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતા તેણે બુકિંગ પર કમિશન મેળવવાના નામે વ્યવસાય શરૂ કર્યો હતો. આ દરમિયાન તેણે ગ્રાહકોના બુકિંગ માટે કંપનીના QR કોડને બદલે પોતાના અંગત સેટિંગવાળા QR કોડનો ઉપયોગ કર્યો હતો. ગ્રાહકો જ્યારે પેમેન્ટ કરતા ત્યારે તે રકમ કંપનીના ખાતામાં જવાને બદલે સીધી ઉન્નતિના ખાતામાં જમા થઈ જતી હતી.

પોલીસ કાર્યવાહી

ટ્રાવેલ્સ કંપનીને જ્યારે હિસાબમાં મોટી રકમની ઘટ જણાઈ ત્યારે આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કંપનીની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી ઉન્નતિ પટેલની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને પડાવેલા નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Chhota Udepur: નસવાડીના કુકરદા જંગલ વિસ્તારમાં ભીષણ આગ, વન સંપત્તિને ભારે નુકસાન