અમદાવાદના ચકચાર મચાવનારા ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક મોટો અને મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર (MD) કાર્તિક પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આરોપીઓને મોટી રાહત મળી છે, અને કેસમાંથી આરોપીઓના જેલમુક્ત થવાનો દોર શરૂ થયો હોવાનું જણાઈ રહ્યું છે.
કાર્તિક પટેલને સુપ્રીમમાંથી જામીન
ખ્યાતિકાંડના ગંભીર કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા કાર્તિક પટેલને સર્વોચ્ચ અદાલતે જામીન આપી દીધા છે. આ નિર્ણય કેસની તપાસ અને ટ્રાયલની પ્રક્રિયા માટે મહત્ત્વનો ગણી શકાય. અગાઉ પણ આ કેસના કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે, અને હવે MD કાર્તિક પટેલને પણ જામીન મળતા તપાસ એજન્સીઓ માટે કાનૂની પડકારો વધી શકે છે. એક તરફ સુપ્રીમ કોર્ટે કાર્તિક પટેલને જામીન આપ્યા છે, તો બીજી તરફ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ આ કેસ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ પર મહત્ત્વનો ચુકાદો આવી શકે છે.













