સુરતના કામરેજમાં 6 નવેમ્બરના રોજ થયેલા ભીષણ ફાયરિંગ કેસમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મહિલા RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. લાંબા સમય સુધી આઈસીયુમાં મોત સામે લડ્યા બાદ અંતે તેઓ જિંદગીની જંગ હારી ગયા છે. આ ઘટનાની વિગત એવી છે કે, ગત 6 નવેમ્બરે જ્યારે સોનલ સોલંકી પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના પર લમણે ગોળી મારીને હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં અકસ્માત લાગતી આ ઘટનામાં સીટી સ્કેન બાદ માથામાં ગોળી હોવાનું બહાર આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. આ મૃત્યુ સાથે હવે પોલીસ આ કેસમાં હત્યાની કલમોનો ઉમેરો કરી તપાસ તેજ કરશે.

ષડયંત્રનો અંત!

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ હુમલાનો મુખ્ય સૂત્રધાર બીજું કોઈ નહીં પણ સોનલ સોલંકીના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી પોતે જ હતા. પારિવારિક વિખવાદ અને કોર્ટ કેસની અદાવત રાખીને નિકુંજે તેના મિત્રને પત્નીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. આરોપીએ પત્નીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેની કારમાં છૂપી રીતે GPS ટ્રેકર પણ લગાવ્યું હતું. હાલમાં સોપારી આપનાર પતિ નિકુંજ અને ફાયરિંગ કરનાર આરોપી બંને જેલના સળિયા પાછળ છે. એક આશાસ્પદ મહિલા અધિકારીના આ પ્રકારે કરુણ મોતના સમાચારથી વન વિભાગ અને સુરતના વહીવટી આલમમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.