શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. વસ્ત્રાલની તનમન ચોકડી પાસે આવેલી માધવ સ્કૂલ નજીક અસામાજિક તત્વોએ ગુંડાગીરી આચરી હોવાની ઘટના સામે આવી છે. અહીં આવેલા અર્બુદા ડેકોરેટર્સમાં માથાભારે શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી વેપારીને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક
ભોગ બનનાર વેપારીના જણાવ્યા અનુસાર, સંકેત ચૌધરી નામના શખ્સે તેની દુકાનમાં તોડફોડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, વેપારી પર આ કોઈ પહેલો હુમલો નથી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંકેત ચૌધરીએ અગાઉ પણ બે વાર આ જ રીતે દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ તેની ત્રીજી હિંસક કરતૂત છે.
CCTVમાં કેદ થઈ ગુંડાગીરી
સમગ્ર તોડફોડની ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો દુકાનમાં ઘૂસીને સામાનની તોડફોડ કરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે. આ ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને પોલીસ તપાસ માટે મુખ્ય પુરાવો બન્યા છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
હુમલાખોર સંકેત ચૌધરી કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને પોલીસ તેના પર પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરી ચૂકી છે. આમ છતાં, જેલમાંથી બહાર આવ્યા બાદ તેનામાં પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેમ જણાતું નથી. હાલમાં ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિક પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Surat: સંકલન બેઠકમાં મેયર અને MLAનો હુંકાર, ખાડી પૂર, અશાંત ધારો અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે તંત્રને ખખડાવ્યું