સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં આજે લોકપ્રતિનિધિઓનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. મેયર દક્ષેશ માવાણી સહિત શહેરના ધારાસભ્યોએ ખાડી પૂર, અશાંત ધારાના ઉલ્લંઘન અને ટ્રાફિક જેવી ગંભીર સમસ્યાઓ મુદ્દે અધિકારીઓ સમક્ષ ધારદાર રજૂઆતો કરી તાકીદે નિરાકરણ લાવવા માંગ કરી હતી.


ખાડી પૂરથી બચાવવા મેયરનો 'માસ્ટર પ્લાન'

ચોમાસામાં સુરત પર તોળાતા ખાડી પૂરના સંકટને ટાળવા માટે મેયર દક્ષેશ માવાણીએ આક્રમક રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ખાડી અને ઝીંગા તળાવોમાં થયેલા તમામ ગેરકાયદે દબાણોને કારણે પાણીનો નિકાલ અવરોધાય છે. સુરતને પૂરથી બચાવવા માટે આ દબાણો તાકીદે દૂર કરવા તેમણે તંત્રને તાકીદ કરી હતી.

અશાંત ધારા મુદ્દે અરવિંદ રાણાની લાલ આંખ

ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારાના કડક અમલીકરણ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત તબદીલી કરવામાં આવતી વખતે સ્થાનિક રહીશોની સંમતિ લેવામાં આવતી નથી. આ બાબતે તપાસ કરી સ્થાનિકોના હિતોનું રક્ષણ કરવા તેમણે ભાર મૂક્યો હતો.

બિસમાર રસ્તા અને અકસ્માત મુદ્દે સંદીપ દેસાઈની ચિંતા

ધારાસભ્ય સંદીપ દેસાઈએ હજીરા-ઈચ્છાપોર રોડની દુર્દશા અને ત્યાં થતા જીવલેણ અકસ્માતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રોડ પર ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે અને અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ શહેરના બિસમાર રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવા તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Veraval: ખોરાકની શોધમાં સાવજો હવે શહેરની ભાગોળે, સાઈબાબા મંદિર પાસે બે સિંહણ અને બે બાળ સિંહોની લટાર


  • Follow us on: