શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપ્યું છે, જે અમેરિકામાં અને કેનેડામાં રહેતા એનઆરઆઈને સસ્તી આયુર્વેદિક દવાઓ આપવાના બહાને ડોલરમાં રકમ પડાવતું હતું. આશ્રમ રોડ પર આવેલી સાકાર–9 બિલ્ડિંગના 12મા માળેથી છેલ્લા આઠ મહિનાથી આ કૉલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. પોલીસ જણાવ્યા મુજબ, મુનરાઈસ રેમેડી કેર પ્રા. લિ. નામે ઓફિસ ચલાવતા અભિષેક પાઠક અને તેના સાગરીતો ડાર્ક વેબ તથા એજન્ટ પાસેથી વિદેશી ગ્રાહકોનો ડેટા મેળવી તેમને લોભામણી ઓફરો આપતા. 600 ડોલરના પેકેજમાં 100% શુદ્ધ આયુર્વેદિક દવાઓ, ગાયનું ઘી અને ગૌમૂત્ર મળવાનું જણાવવામાં આવતું. એડવાન્સ પેમેન્ટ લીધા બાદ નકલી અથવા હલકી ગુણવત્તાની દવાઓ મોકલી દેવામાં આવતી અને રિફંડ પણ આપવામાં આવતો ન હતો.
નકલી કંપની 'મુનરાઈસ'નો ખેલ ખતમ
કોલ સેન્ટરમાં 24 જેટલા યુવક–યુવતીઓ ખાસ સ્ક્રિપ્ટ મુજબ VPNથી ગ્રાહકોને ફોન કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના, ડાયાબિટીસ–બ્લડપ્રેશર વગેરે રોગોથી પીડિત એનઆરઆઈને આયુર્વેદિક કેમ્પ અને તબિયત સુધારવાની લાલચ આપતા હતા. પોલીસે મુખ્ય સુત્રધાર સહિત કુલ 24 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 4 આરોપી રિમાન્ડ પર છે, 15 જેલમાં છે અને 5 મહિલાઓ જામીન પર મુક્ત થઈ છે. સાથે જ મુનરાઈસ કંપની કાયદેસર છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. દેશમાં આવા નકલી કોલ સેન્ટરના કેસોમાં વધારો થતાં ભોગ બનનાર સાક્ષીઓ કોર્ટમાં હાજર ન રહેતા ઘણા ગુનેગારો સજા સિવાય છટકી જાય છે. નવરંગપુરા પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.













