શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે બેફામ દોડતા વાહનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદના હાર્દ સમાન એસ.જી. હાઈવે પર આજે વહેલી સવારે રફતારના રાક્ષસે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. પકવાન ચાર રસ્તાથી ગુરુદ્વારા વચ્ચેના બ્રિજ પર બે લક્ઝરી કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી.
વહેલી સવારે 4 વાગ્યે સર્જાયો અકસ્માત
ઘટનાની વિગતો મુજબ, આજે વહેલી સવારે આશરે 4:00 વાગ્યાના સુમારે જ્યારે રસ્તાઓ સુમસામ હતા, ત્યારે પકવાન બ્રિજ ઉતરતી વખતે એક સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ઉતરી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક બ્રેક મારતા, પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.










