અમદાવાદ શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનર કચેરીની બરાબર સામે જ આવેલા અંબાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. તસ્કરોએ મંદિરમાં પ્રવેશવા માટે લોખંડની જાળી તોડી નાખી હતી અને મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
માધુપુરા પોલીસ હરકતમાં
ચોરી દરમિયાન તસ્કરો મંદિરમાંથી ચાંદીનું છત્તર અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જ મંદિરના સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. આ મામલે માધુપુરા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર કચેરીની નજીકમાં જ આ પ્રકારની ઘટના બનતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી છે.













