સુરતમાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સિયાલજ પાટિયા નજીક પુલ પરથી અંકલેશ્વરથી કીમ તરફ જઈ રહેલી એક ટ્રક નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રકચાલક અને ક્લિનરને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી ઘટના કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે 65 પર મૂળદ - કીમામલી કટ પર બની હતી. હાંસોટ તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા એક બાઈક સવારને બચાવવા જતાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

સ્થાનિકોની માંગ

મહત્વનું છે કે, કાબૂ ગુમાવતાં કાર જોરદાર રીતે ડિવાઈડર સાથે ભટકાઈ હતી અને સામેના રોડ પર આડી થઈ ગઈ હતી. કારમાં સવાર મુંબઈના પરિવારનો ચમત્કારી બચાવ થયો હતો. જોકે, જેને બચાવવા માટે પ્રયાસ કરાયો હતો તે બાઈક સવારને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અહીં નોંધનીય બાબત એ છે કે મૂળદ - કીમામલી કટ પર છેલ્લા એક મહિનામાં આ ત્રીજો અકસ્માત છે. આ કટ પર વારંવાર અકસ્માતો થતાં સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી છે. અકસ્માતો અટકાવવા માટે સ્થાનિકો દ્વારા આ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે.