અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આગામી સમયમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. હાલમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનું વર્લ્ડ ક્લાસ રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં વધનારા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આસપાસના રસ્તાઓને પહોળા કરવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે.

કયા વિસ્તારોમાં થશે રોડ પહોળા?

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને કાલુપુર સર્કલથી લઈને સારંગપુર બ્રિજ સુધીના માર્ગને પહોળો કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, કાલુપુર ત્રણ રસ્તાથી રેલ્વે સ્ટેશન અને સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા તરફ જતા રોડનો પણ સર્વે કરવામાં આવ્યો છે. ખાસ કરીને કાલુપુર ચાર રસ્તાથી સ્ટેશન સુધીના 'ટ્રાયએંગલ વિસ્તાર' જે હાલમાં 80 મીટરનો છે, તેને વધારીને 100 મીટર કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભવિષ્યના ટ્રાફિકનું આયોજન

રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણ બાદ મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવશે. આ સ્થિતિમાં કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં વાહનોની અવરજવર સરળ રહે તે માટે AMC દ્વારા ઝોન-3 સુધીના રોડનો ઊંડાણપૂર્વક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના રિપોર્ટના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

 આ પણ વાંચો:Bhavnagar: માતાની ફરિયાદ પરથી ખુલ્યું પુત્રની હત્યાનું રહસ્ય, પ્રેમ સંબંધની દાઝ રાખી સસરાએ જ જમાઈનો કાંટો કાઢ્યો