ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળ આવતા વાળુકડ ગામે તાજેતરમાં થયેલી 29 વર્ષીય યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા પાછળ કોઈ અંગત દુશ્મની નહીં, પરંતુ પ્રેમ લગ્નની રાખવામાં આવેલી દાઝ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે કાવતરું રચનાર પત્નીના પિતા સહિતના આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.

પ્રેમ લગ્નની દાઝમાં રચાયું હત્યાનું કાવતરું

મૃતક યુવકે થોડા સમય અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા, જે યુવતીના પરિવારજનોને મંજૂર નહોતા. આ વાતની અદાવત રાખીને યુવતીના પિતાએ જ પોતાના જમાઈને રસ્તામાંથી હટાવવા માટે ઘાતકી કાવતરું ઘડ્યું હતું. ગત દિવસોમાં આ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

માતાની ફરિયાદ અને પોલીસ કાર્યવાહી

મૃતક યુવકની માતાએ પોતાના પુત્રના હત્યારાઓને સજા અપાવવા માટે વરતેજ પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વરતેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ હત્યા કેસમાં સંડોવાયેલા 2 મુખ્ય શખ્સોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો:Jamnagar: જેલરના સરપ્રાઈઝ ચેકિંગમાં પકડાયો મોબાઈલ, સીટી એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો