જામનગર જિલ્લા જેલ એકવાર ફરી વિવાદમાં આવી છે. જેલની ચુસ્ત સુરક્ષાને ભેદીને અંદર મોબાઈલ ફોન પહોંચી જવાની ગંભીર ઘટના સામે આવતા જેલ તંત્ર હરકતમાં આવ્યું છે. જેલર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના યાર્ડ નંબર 7માંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે.
સીમકાર્ડ વગરનો મોબાઈલ અને જેલરનું ચેકિંગ
મળતી માહિતી મુજબ, જેલ સત્તાધીશોને જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ હોવાની આશંકા જણાતા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન યાર્ડ નંબર 7માં તપાસ કરતા એક મોબાઈલ ફોન બેટરી સાથે મળી આવ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મોબાઈલમાંથી સીમકાર્ડ મળી આવ્યું નથી. સીમકાર્ડ વગરનો આ ફોન કોણ વાપરતું હતું અને જેલની અંદર કઈ રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ છે.
