અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી રહ્યા હોવાથી, નાગરિકોને વધુ સમય મળી રહે તે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવેશના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.
જનરલ એન્ટ્રીના સમયમાં 1 કલાકનો વધારો
અગાઉ ફ્લાવર શોમાં સામાન્ય જનતા (General Entry) માટે રાત્રે 9 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, હવે આ સમયમાં વધારો કરીને રાત્રે 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. એટલે કે હવે શહેરીજનો રાત્રે એક કલાક મોડા સુધી ફ્લાવર શોના આકર્ષણો નિહાળી શકશે.
VIP એન્ટ્રીના સમયમાં ફેરફાર
સમયના નવા આયોજન મુજબ VIP મુલાકાતીઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રે 9 થી 10 વાગ્યા સુધી VIP એન્ટ્રી રાખવામાં આવી હતી. હવે VIP એન્ટ્રી સવારના સમયે એટલે કે સવારે 7 થી 9 વાગ્યા સુધી રહેશે.
મુલાકાતીઓની સુવિધા માટે નિર્ણય
ઉતરાયણના વેકેશન અને જાહેર રજાઓના દિવસોમાં ફ્લાવર શોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મોડી સાંજ સુધી લોકોની કતારો જોવા મળતી હોવાથી AMC દ્વારા રાત્રિનો સમય લંબાવવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો આ શોનો લ્હાવો લઈ શકે. નાગરિકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ લઈને આ નવા સમય મુજબ મુલાકાત લેવાની રહેશે.
આ પણ વાંચો: સફેદ રણમાં ભારતીય સેનાનું સાહસિક લેન્ડ યોટિંગ અભિયાન, સરહદી યુવાનોમાં જગાડશે દેશભક્તિનો જુસ્સો