અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત હાઇકોર્ટ અને તેની આસપાસની સરકારી કચેરીઓ બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે દંડ ભરવાને બદલે વાહનચાલકોએ પોલીસ સાથે રકઝક કરી હતી અને અજીબોગરીબ તર્ક રજૂ કર્યા હતા. કેટલાક ચાલકોએ એવું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ અહીં જ સરકારી સ્ટાફમાં ફરજ બજાવે છે, તેથી તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ.
હાઇકોર્ટના દરવાજે ડ્રાઇવ
ડ્રાઇવ દરમિયાન વાહનચાલકોના ઉડાઉ જવાબોએ પોલીસને પણ મુંઝવણમાં મૂકી દીધી હતી. એક વાહનચાલકે દલીલ કરી હતી કે, "મારે બહુ નજીક જવાનું છે, તો હેલ્મેટ પહેરવાની શું જરૂર છે?" જ્યારે અન્ય એક ચાલકે કંટાળીને કહ્યું હતું કે, "વારંવાર હેલ્મેટ પહેરવું અને કાઢવું મજા નથી આવતી." જોકે, ટ્રાફિક પોલીસે આવા કોઈ પણ બહાનાને ગ્રાહ્ય રાખ્યા વગર નિયમ ભંગ કરનાર તમામ ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મેમો ફાડ્યા હતા. હાઇકોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું પાલન દરેક નાગરિકે, પછી તે ગમે તે સ્ટાફમાં હોય, કરવું જ પડશે.













