અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા અંજલિ ચાર રસ્તા પર વાહનચાલકોને ગરમીથી બચાવવા માટે લગાડવામાં આવેલો ડોમ અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાએ તંત્રની કામગીરી અને ડોમના મેઈન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વાહનચાલકોના માથે મોતનો માંડવો
અમદાવાદમાં કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે ટ્રાફિક સિગ્નલો પર આ પ્રકારના ડોમ બનાવવામાં આવ્યા છે. જોકે, અંજલિ ચાર રસ્તે જે રીતે આ ડોમ તૂટી પડ્યો, તે જોતા લાગે છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અત્યંત લોટ-પાણીને લાકડા જેવી છે. ભરચક ટ્રાફિક વચ્ચે આ ડોમ તૂટ્યો હોવા છતાં, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનચાલકો માટે આ 'મોતનો માંડવો' સાબિત થઈ શક્યો હોત.
