રાજસ્થાનના ઉદયપુરમાં વર્ચસ્વની લડાઈમાં ગેંગવોરને અંજામ આપી પોલીસથી બચવા અમદાવાદમાં છુપાયેલા બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન-7 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને રાજસ્થાન પોલીસના મોસ્ટ વોન્ટેડ અને 10 હજારના ઇનામી આરોપીઓને દબોચી લીધા છે.
વર્ચસ્વની લડાઈ અને ગેંગવોર
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઉદયપુરમાં નઈમ ઠોકર અને જાવેદ દાંત વચ્ચે ગેંગવોર ચાલી રહી છે. આ વર્ચસ્વની લડાઈમાં નઈમ ઠોકર ગેંગના શૂટરોએ સામા પક્ષના સભ્યની હત્યા કરી હતી. આ હત્યાકાંડ બાદ રાજસ્થાન પોલીસ સતત આ શૂટરોની શોધખોળ કરી રહી હતી અને તેમના પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સારવારના બહાને અમદાવાદમાં લીધો હતો આશરો
ઝોન-7 LCB ની તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપીઓ નઈમ શેખ અને કુંદન કુશવાહ ઉદયપુર પોલીસની ધરપકડથી બચવા માટે અમદાવાદ આવી ગયા હતા. આરોપીઓએ અહીં સારવાર કરાવવાના બહાને આશરો લીધો હતો. જોકે, LCB ને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે રાજસ્થાનના કુખ્યાત શૂટરો અમદાવાદમાં છે, જેના આધારે વોચ ગોઠવીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગુનાહિત ઇતિહાસ અને પોલીસ કાર્યવાહી
ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ હત્યા, હત્યાની કોશિશ અને લૂંટ જેવા 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજસ્થાન પોલીસે આ ગુનેગારોની ધરપકડ માટે ₹10,000 નું ઇનામ જાહેર કર્યું હતું. અમદાવાદ પોલીસે હાલ બંનેની ધરપકડ કરી રાજસ્થાન પોલીસને જાણ કરી છે. ટૂંક સમયમાં ઉદયપુર પોલીસની ટીમ અમદાવાદ પહોંચી આરોપીઓનો કબજો મેળવશે.
આ પણ વાંચો: Jasdan: ચાર બાળકોની એકસાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું, સ્મશાન યાત્રામાં ઉમટી જનમેદની