જસદણ પંથકમાં લોકશાહીના પર્વ વચ્ચે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ગત રાત્રે બનેલી આ ઘટના બાદ આજે જ્યારે ચારેય બાળકોની એકસાથે અંતિમ યાત્રા નીકળી ત્યારે સમગ્ર જસદણ પંથક શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

ન્હાવા ગયા ને મોત મળ્યું

મળતી માહિતી મુજબ, ગઈકાલે આ ચારેય બાળકો ઘર નજીક રમતા-રમતા આલણ સાગર તળાવે ન્હાવા માટે ગયા હતા. તળાવની પાળ પરથી તેમની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, પરંતુ બાળકોનો કોઈ પત્તો નહોતો. સ્થાનિકો અને તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મોડી રાત્રે એક પછી એક ચારેય બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા.

મૃતક બાળકોની વિગતો

રાજવીરભાઈ સામતભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ),કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ),રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર 14 વર્ષ),કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર 10 વર્ષ).

આખું ગામ હિબકે ચડ્યું

આજે સવારે જ્યારે ચારેય બાળકોની એકસાથે સ્મશાન યાત્રા નીકળી ત્યારે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. એક જ પંથકના ચાર-ચાર તરુણોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે. આ કરુણ દ્રશ્યો જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

મંત્રી દ્વારા આર્થિક સહાય

ઘટનાની જાણ થતા જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે આ દુઃખદ ઘડીમાં પરિવારજનોને સાંત્વના આપી હતી અને તાત્કાલિક ધોરણે સ્મશાન વિધિ અને અન્ય ખર્ચ માટે પ્રત્યેક મૃતક બાળકના પરિવારને ₹25,000 ની આર્થિક સહાય અર્પણ કરી હતી.

આ પણ વાંચો: Vadodara: વ્યાજની ઉઘરાણી જીવલેણ સાબિત થઈ, કરજણના કુરાલીમાં ગુમ થયેલા કનકસિંહની હત્યાનો ભેદ ઉકેલાયો