વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા મર્ડર કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વ્યાજે લીધેલા નાણાં પરત કરવા બાબતે થયેલી તકરારમાં એક શખ્સે પોતાના જ ગામના યુવકની નિર્મમ હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું છે. કરજણ પોલીસે આ મામલે રતિલાલ વસાવા નામના શખ્સની ધરપકડ કરી છે.

કુરાલી મર્ડર કેસનો ભેદ ઉકેલાયો

ઘટનાની વિગત મુજબ, કુરાલી ગામના કનકસિંહ ચૌહાણ ગત તારીખ 18ના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા, જે અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસને સૌ પ્રથમ ધાવટ ગામેથી કનકસિંહની બાઈક મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા કુરાલી ગામ પાસેની કેનાલ નજીકથી એક પ્લાસ્ટિકના કોથળામાં વીંટાળેલી હાલતમાં કનકસિંહની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વ્યાજ અને મૂડીની ઉઘરાણી બની કારણ

પોલીસની કડક પૂછપરછમાં આરોપી રતિલાલ વસાવાએ પોતાનો ગુનો કબૂલ્યો છે. આરોપીએ મૃતક કનકસિંહ પાસેથી ઉછીના નાણાં વ્યાજે લીધા હતા. આરોપીના જણાવ્યા અનુસાર, તેણે વ્યાજ સાથે મૂડી પરત કરી હોવા છતાં કનકસિંહ વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હતા. આ ઉઘરાણીથી કંટાળીને રતિલાલે કનકસિંહને રસ્તામાં આંતરી, તેમની જ બાઈક પર બેસી કેનાલ પાસે લઈ ગયો હતો અને ત્યાં દોરી વડે ગળેફાંસો આપી હત્યા કરી નાખી હતી.

પુરાવા નાશ કરવા લાશને કોથળામાં પેક કરી

હત્યા કર્યા બાદ પકડાઈ જવાની બીકે આરોપીએ લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી કેનાલના કાંઠે નાખી દીધી હતી. જોકે, પોલીસની તીક્ષ્ણ નજરથી તે બચી શક્યો નહીં. કરજણ પોલીસે આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ હત્યા તેમજ પુરાવા નાશ કરવાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: લિંબાયતના કલ્પના નગર પાસે વાયરમેન યુવકની હત્યા કરી શખ્સો ફરાર, પોલીસ તપાસ તેજ