સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાની ઘટનાથી શહેર ધ્રૂજી ઉઠ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કલ્પના નગર પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક વ્યવસાયે વાયરમેન હતો અને તે કામ અર્થે ત્યાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કામ પર આવેલા યુવકનો લેવાયો ભોગ

મળતી માહિતી મુજબ, લિંબાયતના કલ્પના નગર પાસે એક યુવક વાયરમેન તરીકેનું કામ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન અસામાજિક તત્વો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી કે અન્ય કોઈ જૂની અદાવત હતી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ હત્યારાઓએ યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

લિંબાયત પોલીસ ઘટનાસ્થળે

હત્યાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લિંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. લિંબાયત પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Sabarkantha: સરકારી કામના ઓથ હેઠળ ખનીજ ચોરીનો ખેલ! નવા બસ સ્ટેન્ડના પુરાણ માટે કોન્ટ્રાક્ટરોએ નિયમો નેવે મૂક્યા