સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરીની પ્રવૃત્તિએ માજા મૂકી છે. નવાઈની વાત તો એ છે કે, આ ગેરકાયદે ખનન મામલતદાર કચેરીની બિલકુલ નજીક જ થઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે પરવાનગી વિના માટીનું ખુલ્લેઆમ ખનન કરીને કોન્ટ્રાક્ટરો મનમાની રીતે કામગીરી કરી રહ્યા છે.
સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી લૂંટ
મળતી માહિતી મુજબ, વિજયનગરમાં બની રહેલા નવા બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યમાં પુરાણ કરવા માટે આ માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરો સરકારી પ્રોજેક્ટના નામે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. માટી ક્યાંથી લાવવી અને તેના માટે જરૂરી મંજૂરીઓ લેવી જેવી કાયદાકીય પ્રક્રિયાઓને નેવે મૂકીને સીધું જ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
