કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે તેમના વતન અને સંસદીય મતક્ષેત્ર અમદાવાદની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારાપૂર્ણ કરવામાં આવેલા બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જેમાં પશ્ચિમ અમદાવાદની પાણીની સમસ્યાનો ઉકેલ લાવતી વેસ્ટર્ન ટ્રંક લાઈન અને શહેરની સુંદરતામાં વધારો કરતો ઇસ્કોન-પકવાન આઇકોનિક રોડ સામેલ છે.


અમિત શાહ અમદાવાદની મુલાકાતે

ચોમાસામાં જળબંબાકારથી મળશે મુક્તિ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વસતા નાગરિકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદ સમાન સાબિત થશે. અંદાજે રૂ. 326 કરોડના માતબર ખર્ચે 27 કિલોમીટર લાંબી આ લાઈન તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસામાં બોડકદેવથી શાંતિપુરા સર્કલ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ નવી ટ્રંક લાઈન કાર્યરત થવાથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે અને સ્થાનિકોને જળબંબાકારની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

ઇસ્કોન-પકવાન આઇકોનિક રોડ

અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર સ્થિત ઇસ્કોન અને પકવાન ચાર રસ્તા વચ્ચેના પટ્ટાને 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવામાં આવ્યો છે.રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ રોડ પર રાહદારીઓ માટે સ્પેશિયલ વોકિંગ ટ્રેક, આકર્ષક ફુવારા અને કલાત્મક સ્કલ્પચર્સ (શિલ્પો) મૂકવામાં આવ્યા છે.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય માર્ગોને માત્ર વાહન વ્યવહાર માટે જ નહીં, પણ પર્યાવરણ અને સુંદરતાની દ્રષ્ટિએ પણ આધુનિક બનાવવાનો છે.

વેસ્ટર્ન ટ્રંક લાઈનનું લોકાર્પણ 

કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થનારા આ લોકાર્પણથી અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ઉમેરો થશે. એક તરફ ડ્રેનેજ અને પાણીના નિકાલ જેવી પાયાની સુવિધાઓ સુદ્રઢ બની રહી છે, તો બીજી તરફ આઇકોનિક રોડ જેવા પ્રોજેક્ટ્સ અમદાવાદને 'ગ્લોબલ સિટી'ની હરોળમાં મૂકી રહ્યા છે. આવતીકાલના કાર્યક્રમને પગલે કોર્પોરેશન દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


આ પણ વાંચો: ગુજરાતના નવા DGP કોણ? વિકાસ સહાયની નિવૃત્તિ પૂર્વે રાજ્ય સરકારે પેનલ તૈયાર કરી કેન્દ્રમાં મોકલી

  • Follow us on: