શહેરમાં ચેટીચાંદના પર્વની ઉજવણી બાદ હાંસોલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. હાંસોલ પોલીસ ચોકીની બિલકુલ સામે આવેલા જોગણી માતાના મંદિર પાસે બે યુવકો પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ હવે વાયરલ થયા છે, જેમાં લુખ્ખાતત્વોનો આતંક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ચેટીચાંદના પર્વની ઉજવણી બાદ રેકી કરીને કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ આ હુમલાને અંજામ આપવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હોય તેમ જણાય છે. લુખ્ખાઓએ પહેલા આ બંને યુવકોની રેકી કરી હતી અને ત્યારબાદ જ્યારે તેઓ જોગણી માતાના મંદિર પાસે હતા ત્યારે તેમના પર ત્રાટક્યા હતા. પોલીસ ચોકીની આટલી નજીક હોવા છતાં લુખ્ખાઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમ તેઓએ હુમલો કર્યો હતો.

પોલીસકર્મીઓએ હિંમત દાખવી લુખ્ખાઓને ભગાડ્યા

મારામારીની ઘટના પોલીસ ચોકીની બિલકુલ સામે બની રહી હોવાથી, અવાજ સાંભળીને અંદર હાજર પોલીસકર્મીઓ તુરંત બહાર દોડી આવ્યા હતા. પોલીસને જોઈને હુમલો કરનારા તમામ લુખ્ખાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી અને બંને યુવકોનો બચાવ થયો હતો. હાલમાં પોલીસે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Veraval: 2019ના સંવેદનશીલ કેસમાં સેશન્સ કોર્ટનો નિર્ણય, કારમાં હત્યા કરી દાગીના લૂંટનાર આરોપીને આજીવન કેદ