યુનેસ્કો દ્વારા અમદાવાદને એનાયત કરવામાં આવેલા “વર્લ્ડ હેરિટેજ સિટી'ના દરજ્જાની સમીક્ષા કરવા માટે યુનેસ્કો ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઈટ્સ (ICOMOS)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ આવતીકાલ તા.૧૭મી માર્ચના રોજ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે. આઈ કોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એક્સપર્ટ રોલેન્ડ લિનના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ તા.૧૮થી ૨૨ માર્ચ સુધીના ૪ દિવસીય પ્રવાસ દરમિયાન કોટ વિસ્તાર સહિત શહેરની ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લેશે. આ ટીમ શહેરીજનોને રૂબરૂ મળીને હેરિટેજ સિટી અંગે તેમના મંતવ્યો અને અભિપ્રાયો પણ મેળવશે.
ટીમ હેરીટેજ સિટીના દરજ્જાની સમીક્ષા કરશે
આ ચાર દિવસીય ‘રિએક્ટિવ મોનિટરિંગ મિશન’ દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લા, સરદાર પટેલ મ્યુઝિયમ અને ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ સહિતના ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરાશે. તા.૨૧મી માર્ચના રોજ મ્યુનિ.કમિશનર સાથેની બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ ટેગના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો પુરવાર થશે.તાજેતરમાં યોજાયેલા સેમિનાર દરમિયાન કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ સામે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં લેતા આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
