એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ગરમીમાં કરા પડવાની આગાહી કરી છે. તેમણે આગામી ત્રણ દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ દર્શાવી છે. હવે હવામાન વિભાગ દ્વારા ગરમી અને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
આગામી બે દિવસ ગરમી યથાવત રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ ગરમી યથાવત રહેશે. રાત્રે ઉકળાટનો અહેસાસ થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી 19થી 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19મીએ ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 20મીએ ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. 21મીએ ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી છે.
