લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. આજે વહેલી સવારે એક પૂરઝડપે દોડતી કારે યુવકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારની ગતિ એટલી પ્રચંડ હતી કે, યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મજૂરી કામે જતી વખતે કાળ આંબી ગયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ ભલગામડા ગામના મેહુલ મનુભાઈ તરીકે થઈ છે. મેહુલ દરરોજની જેમ આજે સવારે પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ અર્થે નીકળ્યો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે અથવા હાઈવેની સાઈડમાં ચાલતા સમયે પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. મેહુલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતના સમાચાર મળતા જ ભલગામડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલી કાર અને તેના ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર વારંવાર થતા આવા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચો - Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 3 બનાવ : 3ને ઈજા