આઈએએસ (IAS), આઈપીએસ (IPS) અને આઈએફએસ (IFS) જેવી દેશની સર્વોચ્ચ વહીવટી સેવાઓ માટેની UPSC પ્રિલિમ્સ પરીક્ષા આજે યોજાઈ છે. અમદાવાદ શહેરમાં અંદાજે 51 જેટલી શાળાઓ અને કોલેજોને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ ઉમેદવારોની લાંબી લાઈનો જોવા મળી હતી. દેશની આ સૌથી કઠિન ગણાતી પરીક્ષાને બે સેશનમાં (શિફ્ટમાં) વહેંચવામાં આવી હતી.

ઉમેદવારોના કડક વેરિફિકેશન 

કોઈપણ પ્રકારની ડમી ઉમેદવાર કે ગેરરીતિની ઘટના ન બને તે માટે આ વર્ષે UPSC દ્વારા કેન્દ્રો પર અભૂતપૂર્વ તકનીકી સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલાં દરેક ઉમેદવારનું ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન અને આધુનિક ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો સ્કેન કરવાની પ્રક્રિયા) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન તમામ વર્ગખંડોમાં CCTV કેમેરા ચાલુ રાખવામાં આવ્યા હતા, જેનું દિલ્હી અને સ્થાનિક સ્તરે બોર્ડના કંટ્રોલ રૂમમાંથી સીધું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.

પેપર લીક મામલે ઉમેદવારોમાં છૂપો આક્રોશ

જોકે, આ ભવ્ય વ્યવસ્થા વચ્ચે પણ કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોના મનમાં તાજેતરની રાષ્ટ્રીય સ્તરની 'NEET' પરીક્ષામાં થયેલા પેપર લીકના કથિત કૌભાંડનો ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો. કેન્દ્રની બહાર પત્રકારો સાથે વાતચીતમાં અનેક ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે દિવસ-રાત જોયા વગર વર્ષો સુધી આકરી મહેનત કરીએ છીએ, પરંતુ જ્યારે પેપર લીકના સમાચાર આવે છે ત્યારે મનોબળ તૂટી જાય છે." વિદ્યાર્થીઓએ અને જનતાએ માંગ કરી છે કે દેશમાં પરીક્ષાઓ સંપૂર્ણપણે પારદર્શક રીતે લેવાય અને ગેરરીતિ અટકાવવા માટે એવા કડક કાયદાકીય કદમ ઉઠાવવામાં આવે જેથી કોઈ બૂટલેગર કે માફિયા પેપરને સ્પર્શ પણ ન કરી શકે.

આ પણ વાંચો: Bodeli: ઓરસંગ નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 70 લાખનો મુદ્દામાલ સીઝ