છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીના પટમાંથી મોટા પાયે બિનઅધિકૃત રીતે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ દરમિયાન જિલ્લા ખાણ ખનીજ વિભાગને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે બોડેલી તાલુકાના ખમાપુરા અને બાંગાપુરા ગામની સીમમાંથી પસાર થતી ઓરસંગ નદીના એકવાડક્ટ પાસે કેટલાક તત્વો રાત્રિના સમયે સત્તાવાર મંજૂરી વગર મોટા પાયે રેતી ખનન કરી રહ્યા છે. બાતમીના આધારે ખનીજ વિભાગના અધિકારીઓએ રાત્રિના સમયે ઓચિંતો દરોડો પાડ્યો હતો.

નદીના પટમાંથી રેતી ચોરી 

અધિકારીઓની ટીમ જ્યારે નદીના પટમાં પહોંચી ત્યારે ત્યાં અંધારામાં મોટી મશીનરીઓ દ્વારા નદીની છાતી ચીરીને રેતી કાઢવામાં આવી રહી હતી અને તેને ટ્રકોમાં ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ હતું. સરકારી ટીમને જોતા જ સ્થળ પર હાજર મજૂરો અને ઓપરેટરોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, ખનીજ વિભાગે સમયસૂચકતા વાપરીને રેતી ખનન અને વહનમાં રોકાયેલા ૧ જેસીબી મશીન, ૧ એસ્કેવેટર મશીન (હિટાચી) અને રેતી ભરેલી ૧ ટ્રકને ઘટનાસ્થળે જ સીઝ કરી દીધી હતી.

પોલીસ પ્રોટેક્શન અને તંત્રની કડક કાર્યવાહી

તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા આ તમામ વાહનો અને હેવી માઇનિંગ મશીનરીની કુલ કિંમત અંદાજે ₹૭૦ લાખ રૂપિયા આંકવામાં આવી છે. ખનીજ વિભાગના મતે, આ વિસ્તાર માઇનિંગ ઝોન હેઠળ આવતો હોવા છતાં કોઈપણ રોયલ્ટી પાસ કે સત્તાવાર પરમિટ વગર આ પ્રવૃત્તિ ચાલી રહી હતી. હાલમાં તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધવાની અને સંબંધિત બિલ્ડરો કે લીઝ ધારકો સામે લાખો રૂપિયાનો આકરો દંડ વસૂલવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પાલોદમાં ચાલતા 'દારૂ કટિંગ' પર ત્રાટકી પોલીસ, 1.08 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત