અમદાવાદ શહેરમાં આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડની સફળતા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા 'અર્બન લંગ્સ રોડ' વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના 3.7 કિમીના પટ્ટાને અત્યાધુનિક સુવિધાઓ સાથે રિડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને તરફ 14.7 મીટરનો ફોર લેન મુખ્ય માર્ગ તૈયાર કરાશે, જેની સાથે ટ્રાફિકની સરળતા માટે બંને બાજુ 7 મીટરના સર્વિસ રોડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ રોડ માત્ર વાહનો માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
પ્રદૂષણનો રામબાણ ઈલાજ
આ અર્બન લંગ્સ રોડની ખાસિયત એ છે કે અહીં પ્રદૂષણ ઘટાડવા માટે માર્ગની આસપાસ 1200 થી વધુ ઘટાદાર વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 2 મીટરનો અલાયદો સાયકલ ટ્રેક અને 3.5 મીટરનો વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે. લોકોના આરામ માટે ખાસ સીટિંગ એરિયા પણ તૈયાર કરાશે, જેથી આ માર્ગ એક હરિયાળા હબ તરીકે ઉભરી આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે શહેરીજનોને શુદ્ધ હવા અને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે.













