વલસાડ જિલ્લાના ઉમરગામમાં વર્ષ 2022 માં બનેલી ચકચારી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને આખરે સફળતા મળી છે. 25 ઓગસ્ટ 2022ના રોજ નાની દહાડ રોડ પર ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી 17 વર્ષીય સગીરાની પંકજ પાસવાન નામના શખ્સે ચપ્પુના ઘા મારી અને ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી. આ લોહિયાળ ખેલ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તે સમયે બે સગીર આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી પંકજ પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે વલસાડ પોલીસે પંજાબમાં દરોડો પાડી આરોપી પંકજ પાસવાનને ઝડપી લીધો છે.
ક્રૂરતાની પરાકાષ્ઠા
ધરપકડ બાદ આરોપીને વલસાડ લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસે આરોપી પંકજને ઉમરગામના નાની દહાડ રોડ પર જે સ્થળે હત્યા કરી હતી ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આરોપી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. 2 વર્ષ બાદ મુખ્ય આરોપી ઝડપાતા સગીરાના પરિવારમાં ન્યાયની આશા જન્મી છે. પોલીસે અત્યારે આરોપી વિરુદ્ધ કડક પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













