અમદાવાદ શહેરના વ્યાસવાડી વિસ્તારમાં આવેલા એક પાનના ગલ્લા પર ગ્રાહકો વચ્ચે થયેલી સામાન્ય માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાદ ચાર જેટલા શખ્સોએ ગલ્લા પર ભારે તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
બાજુમાં ઊભા રહેવા બાબતે માથાકૂટ
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વ્યાસવાડી વિસ્તારમાં બની હતી. પાનના ગલ્લા ઉપર સામાન લેવા માટે ઊભેલા એક ગ્રાહક સાથે આરોપીઓએ બાજુમાં ઊભા રહેવા બાબતે માથાકૂટ કરી હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી.ગુસ્સે ભરાયેલા આરોપીઓએ ગલ્લાની બહાર પડેલી સોડાની બોટલો લઈને ગ્રાહકના માથામાં મારી હતી. એટલું જ નહીં, આરોપીઓએ પાનના ગલ્લાના કાચના ફ્રીજમાં પણ બોટલો ફેંકીને ભારે તોડફોડ કરી હતી, જેના કારણે ગલ્લાના માલિકને મોટું નુકસાન થયું હતું.
સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ એક્શનમાં
તોડફોડ અને મારામારીની આ સમગ્ર ઘટના પાનના ગલ્લા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પાનના ગલ્લાના માલિકે આ ઘટના અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, વાડજ પોલીસે તુરંત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મિતેશ રાવત, જયેશ પરમાર, સુનિલ પરમાર અને વિજય વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે આ ચારમાંથી બે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
વાડજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી વિજય વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ ઘણો ગંભીર છે. વિજય વાઘેલા અગાઉ બે હત્યાને અંજામ આપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ કેસની ગંભીરતા વધી ગઈ છે. વાડજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દેશની સૌથી આધુનિક ફૂડ લેબ 29 કરોડના ખર્ચે બનશે, સ્વાસ્થ્ય સુરક્ષા માટે મહત્ત્વનું પગલું