અમદાવાદ શહેરમાં અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવતા તત્વોનો આતંક વધી રહ્યો છે. વટવા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કંપારી છૂટી જાય તેવા વીડિયોમાં કેટલાક યુવકો એક સગીર વયના છોકરાને ઝાડ સાથે બાંધીને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી માર મારતા દ્રશ્યમાન થાય છે. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.

બચાવવા માટે કરગરતો રહ્યો કિશોર

પ્રાપ્ત વિગતો અનુસાર, આ વાયરલ વીડિયો અમદાવાદના વટવા પંથકનો હોવાનું સામે આવ્યું છે. કોઈ જૂની અદાવત અથવા સામાન્ય બોલાચાલીની અદાવતમાં સગીરના જ મિત્રોએ તેને ધાક-ધમકી આપીને એકાંતવાળી જગ્યાએ બોલાવ્યો હતો. ત્યારબાદ તમામ શખ્સોએ ભેગા મળીને આ સગીરને એક ઝાડ સાથે દોરડા વડે ચુસ્ત રીતે બાંધી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે સગીર પોતાની જાતને બચાવવા માટે મિત્રો સામે હાથ જોડીને રડી રહ્યો છે અને દયાની ભીખ માંગી રહ્યો છે, છતાં પણ નરાધમ બનેલા મિત્રોનું દિલ પીગળ્યું ન હતું. તેઓએ સગીર પર લાતો અને ડંડા વડે અત્યાચાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું અને આ આખી ઘટનાનો મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.

વટવા પોલીસે શરૂ કરી તપાસ

આ 'તાલિબાની સજા' નો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થતાં જ અમદાવાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. વટવા પોલીસ સ્ટેશનની ટીમે આ વાયરલ વીડિયોની ગંભીરતાપૂર્વક નોંધ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે વીડિયોમાં દેખાતા હુમલાખોર યુવકોની ઓળખ મેળવવા માટે સ્થાનિક બાતમીદારોની મદદ લીધી છે. ભોગ બનનાર સગીર પરિવારનો સંપર્ક સાધીને કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કાયદો હાથમાં લેનારા આવા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: અમરોલીમાંથી પોલીસે બાતમીના આધારે 2 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધો