શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી અને કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. લગ્ન સબંધી માથાકૂટમાં ચાર શખ્સોએ નટુ પરમાર નામના વ્યક્તિ પર હિંસક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નટુ પરમારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો છે.

લગ્નનો વિવાદ હત્યામાં પરિણમ્યો

સેટેલાઇટ પોલીસ સ્ટેશનના PI આર. એચ. પરમારે જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ લગ્ન બાબતે ચાલી રહેલી માથાકૂટ મુખ્ય કારણ છે. અગાઉ પણ આ બે જૂથો વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી. મૃતક અને આરોપીઓ વચ્ચે વેવાઈના સંબંધો હતા, પરંતુ લગ્ન બાદ ઉભી થયેલી તકરારમાં ચાર લોકોએ ભેગા મળીને નટુ પરમાર પર જીવલેણ હુમલો કર્યો હતો.

CCTV ફૂટેજમાં કેદ થઈ ક્રૂરતા

હત્યાની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આરોપીઓએ નટુ પરમારને ઘેરી લીધા હતા અને તેમના માથાના ભાગે જીવલેણ ફટકા માર્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.

વિસ્તારમાં રોષ અને પોલીસ બંદોબસ્ત

હત્યાની ખબર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. PI આર. એચ. પરમારના જણાવ્યા મુજબ, પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad News: પોલીસની ગાડી પર બેસીને રીલ્સ બનાવવી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ દાખલ