ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદની વિરમગામ રૂરલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરમગામ રૂરલ પોલીસની ટીમે એક ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે હાંસલપુર ચોકડી નજીક વોચ ગોઠવીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં ટ્રેલર, દારૂ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ટાટા ટ્રેલરમાંથી મળી આવી વિદેશી દારૂની 38,256 બોટલ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિરમગામ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, એક મોટા વાહનમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે હાંસલપુર ચોકડી પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગનું એક ટાટા ટ્રેલર (નંબર- MH-43-BX-8766) રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેલરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રેલરમાંથી 180 એમએલની ક્વાર્ટર સાઇઝની કુલ 38,256 શીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બજાર કિંમત મુજબ આ વિદેશી દારૂના જથ્થાની કિંમત અંદાજિત રૂ. 47.82 લાખ હોવાનું સામે આવ્યું છે.
58 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના આરોપીની ધરપકડ
પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત કિંમતી ટાટા ટ્રેલર, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે ટ્રેલર ચાલક મુસ્તાક મમદરહીમ જમાલ પઠાણ (રહે. બાડમેર જિલ્લો, રાજસ્થાન)ની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદથી ગાંધીધામ જઈ રહ્યો હતો દારૂનો જથ્થો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો મોટો જથ્થો અમદાવાદ તરફથી ગાંધીધામ (કચ્છ) તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી મુસ્તાક પઠાણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને ગાંધીધામમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીની શોધખોળ માટે વિરમગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Ahmedabad News: નરોડાની કંપનીમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત