અમદાવાદના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના મુખ્ય જળ સ્ત્રોત ગણાતા કોતરપુર વોટર વર્ક્સમાં પાણીની આવક ઘટતા અને નર્મદાની મુખ્ય લાઈનમાં નુકસાન થવાના કારણે 7 મેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. આ સમસ્યા માત્ર એક-બે દિવસ નહીં, પરંતુ આગામી 10 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે.

કયા ઝોનમાં પડશે અસર?

કોતરપુર વોટર વર્ક્સમાંથી પાણી મેળવતા શહેરના મુખ્ય 4 થી 5 ઝોનમાં આ કાપની સીધી અસર જોવા મળશે. જેમાં પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને ઉત્તર ઝોન તેમજ પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

પાણી કાપનું મુખ્ય કારણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો મુજબ, નર્મદાની પાઈપલાઈનમાં કોઈ ટેકનિકલ ખામી અથવા નુકસાન સર્જાયું છે, જેના કારણે કોતરપુર પ્લાન્ટ સુધી પૂરતું પાણી પહોંચી રહ્યું નથી. પરિણામે શહેરમાં પાણીનું દબાણ ઓછું રહેશે અથવા તો નિયત સમય કરતા ઓછું પાણી મળશે.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ પુરવઠો પૂર્વવત થતા અંદાજે 10 દિવસ જેટલો સમય લાગી શકે છે. ભર ઉનાળે પાણીની માગ વધુ હોય છે, ત્યારે આ કાપને કારણે ગૃહિણીઓ અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે. નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad News: સાણંદમાં બે કારમાંથી રૂ. 19.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો