અમદાવાદના ઐતિહાસિક પોળ વિસ્તારમાં ખાસ કરીને માણેકચોક નજીકની દેવજીસરીયાની પોળમાં રહેવાસીઓને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ પોળની અંદર ચાલતા કોમર્શિયલ એકમો હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
અમદવાદના પોળ વિસ્તારમાં પાણીનો પોકાર
પોળમાં આવેલા કેટલાક કોમર્શિયલ એકમોમાં સોના-ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આ ભઠ્ઠીઓમાં મોટર દ્વારા દરરોજ હજારો લિટર પાણીનો વપરાશ થતો હોવાથી, પોળના અંદરના ભાગમાં આવેલા મકાનોમાં પાણીનું પૂરતું પ્રેશર આવતું નથી અને લોકોને જળસંકટનો સામનો કરવો પડે છે.
દેવજીસરીયાની પોળમાં પાણીની સમસ્યા
સ્થાનિકોના સતત વિરોધ અને રજૂઆતો બાદ, આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આવા એક કોમર્શિયલ એકમને સીલ કરવામાં આવ્યું છે. જોકે, સ્થાનિકો માત્ર સીલ કરવાથી સંતુષ્ટ નથી. તેમની મુખ્ય માગણી છે કે માત્ર સીલ કરવાથી નહીં, પરંતુ આ સમસ્યાનું ચોક્કસ અને કાયમી નિવારણ લાવવામાં આવે.
વિરોધ બાદ કોર્પોરેશને કોમર્શિયલ એકમ સીલ કર્યુ
આ ભઠ્ઠીઓ માત્ર પાણી જ નહીં, પરંતુ અન્ય પર્યાવરણીય સમસ્યાઓ પણ સર્જી રહી છે. ભઠ્ઠીઓમાં નાખવામાં આવતા કેમિકલના કારણે ગટરોમાંથી ધુમાડા નીકળે છે, જે પોળના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તંત્ર દ્વારા આ સમસ્યાના મૂળમાં જઈને કોમર્શિયલ ગતિવિધિઓને નિયંત્રિત કરવામાં આવે તો જ પોળના રહીશોને રાહત મળી શકે તેમ છે.
આ પણ વાંચો: નર્મદા નિગમની ગંભીર બેદરકારી, પાઇપલાઇન લીકેજ થતાં 6 વીઘા એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું