પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં નર્મદા નિગમ વિભાગની ગંભીર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે.


રાધનપુર નર્મદા નિગમની ગંભીર બેદરકારી

ઘટના રાધનપુરના કામલપુર ગામ નજીક આવેલી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં બની છે. આ પાઇપલાઇનમાં મોટું લીકેજ થતાં પાણીના ધસમસતા પ્રવાહથી આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. નર્મદા નિગમના અધિકારીઓના પાપે થયેલા આ લીકેજને કારણે આશરે 6 વીઘા જમીન પર વાવેલા એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. હાલમાં રવિ સિઝન ચાલી રહી છે, તેવા સમયે ખેડૂતોને એક તરફ સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી, અને બીજી તરફ આ રીતે હજારો લિટર પાણીનો વેડફાટ થતાં ખેડૂતોમાં ભારે રોષ અને હાલાકી જોવા મળી રહી છે.

પાણીનો વેડફાટ થતા ખેડૂતોને ભારે હાલાકી

પીડિત ખેડૂતોનો આક્ષેપ છે કે, પાઇપલાઇનના લીકેજ અંગે નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી તેમની વાત સાંભળતા નથી કે કોઈ પગલાં લેતા નથી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું લીકેજ રિપેર કરવા અને પાણીનો વેડફાટ અટકાવવા સાથે નુકસાન પામેલા પાકનું વળતર ચૂકવવાની માગણી કરી છે.


આ પણ વાંચો: રખડતા કૂતરાઓનો આતંક યથાવત્, સતત બીજા દિવસે 8 વર્ષના બાળક પર હુમલો


  • Follow us on: