રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, કંડલા એરપોર્ટમાં 10.9 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 13.1, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, વડોદરામાં 12.8 ડિગ્રી, સુરતમાં 14.8 ડિગ્રી, દમણમાં 13.6 ડિગ્રી ભુજ અને કંડલા પોર્ટમાં 14.5 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે.આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. ખેડૂતોને તેમના રવિપાકની જાળવણી માટે આ ઠંડું હવામાન સાનુકૂળ રહેશે, જોકે લોકોને ઠંડીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી
રાજ્યમાં આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો : Gujarat Flashback 2025 : અમદાવાદ શહેર પોલીસે વર્ષ 2025માં સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટ આ સિસ્ટમનો ઉપયોગ કરી પાડયો પાર, વાંચો Inside Story