રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બેવડી ઋતુની અસર વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે તેવું અનુમાન કર્યું છે. પવનોની દિશા બદલાતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હાલ બેવડી ઋતુનો અહેસાસ થશે.


હાલ મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સુધી નોંધાશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું હતું કે, હાલમાં પવનોની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. આગામી 19થી 21 ડિસેમ્બર દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જ્યારે 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જો કે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ફરી ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સુધી નોંધાશે. જ્યારે લઘુતમ તાપમાન 14થી 17 ડિગ્રી સુધી રહેશે.

નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું

રાજ્યભરમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો જોવા મળશે.કંડલામાં 11 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, અમદાવાદમાં 14.7, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, ભુજમાં 13.8 ડિગ્રી, પોરબંદરમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, મહુવામાં 14.9 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 16.1 ડિગ્રી, દમણમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ પણ વાંચોઃ Surat News : ચૌટા પુલ હવે બનશે મોકળો, મેયર અને CP ની સીધી ચેતવણી, "દબાણ કર્યું તો દુકાન સીલ થશે"


  • Follow us on: