સુરતના ઐતિહાસિક અને સતત ટ્રાફિકથી ધમધમતા ચૌટા પુલ વિસ્તારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા ઉકેલવા માટે તંત્રએ આક્રમક અભિયાન હાથ ધર્યું છે. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મેયર અને પોલીસ કમિશનરને પત્ર લખીને આ વિસ્તારમાં થતા દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે હરકતમાં આવેલી મહાનગરપાલિકા અને પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી રસ્તા પર ખડકાયેલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તંત્રના કડક વલણને જોઈને કેટલાક દુકાનદારોએ તો સ્વેચ્છાએ જ પોતાના ગેરકાયદે દબાણો દૂર કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી રસ્તાઓ વધુ મોકળા બન્યા છે.


દુકાનદારોમાં ફફડાટ

આ કાર્યવાહી દરમિયાન મેયર અને પોલીસ કમિશનર દ્વારા દબાણકર્તાઓને કડક શબ્દોમાં અંતિમ ચેતવણી આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં કોઈ પણ દુકાનદાર ફરીથી દબાણ કરશે કે ફૂટપાથ રોકશે, તો જે-તે દુકાનને સીલ કરવાની આકરી કાર્યવાહી કરવામાં આવશે. વર્ષોથી આ વિસ્તારમાં દબાણના કારણે મુસાફરો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા, પરંતુ હવે રાજકીય ઈચ્છાશક્તિ અને વહીવટી તંત્રના સંકલનને કારણે ચૌટા પુલ વિસ્તારને દબાણમુક્ત બનાવવાની દિશામાં મજબૂત કદમ ઉઠાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surat માં બિલ્ડરની દાદાગીરીનો અંત, દીવાલ ધરાશાયી થતા લાઇસન્સ સ્થગિત, રહીશોને મળ્યો ન્યાય

  • Follow us on: