સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં તંત્રએ બિલ્ડર વિરુદ્ધ સખત કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. આ દુર્ઘટના બાદ રોષે ભરાયેલા રહીશોએ ન્યાયની માંગ સાથે રોડ ચક્કાજામ કર્યો હતો, જે બાદ પોલીસ અને મહાનગરપાલિકા હરકતમાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજલક્ષ્મી બિલ્ડરની બાંધકામની રજા ચિઠ્ઠી આગામી 6 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે બિલ્ડર હવે છ મહિના સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કે વ્યાવસાયિક કામગીરી કરી શકશે નહીં. રહેવાસીઓની સુરક્ષા સાથે થયેલી બાંધછોડને ગંભીરતાથી લઈ તંત્રએ આ કડક આદેશ જારી કર્યો છે.

તંત્રની લાલ આંખ

આ મામલે રહીશો, બિલ્ડર, પોલીસ અને મનપાના અધિકારીઓ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં રહીશોએ બિલ્ડરની લાપરવાહીના પુરાવા રજૂ કર્યા હતા. અલથાણ પોલીસે આ મામલે રાજલક્ષ્મી બિલ્ડર વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસ અને મનપાની સંયુક્ત ટીમો હવે બાંધકામની ગુણવત્તા અને નિયમોના ઉલ્લંઘન અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહી છે. રહીશોના ઉગ્ર વિરોધ અને ચક્કાજામ બાદ મળેલી આ સફળતાએ અન્ય લાપરવાહ બિલ્ડરો માટે પણ લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.