ગુજરાતમાં હાલ સૂકા હવામાનની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે મહત્ત્વની આગાહી કરી છે. ૨૮ માર્ચની રાત્રિથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી તા.૨૯ માર્ચથી માવઠાની આગાહી કરાઈ છે.


30મી માર્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે

આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. જોકે, આગામી ૨૯ અને ૩૦ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી

૨૯ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની જયારે ૩૦ માર્ચના રોજ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું.

શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી નજીક પહોંચ્યો

શહેરમાં ગરમીનો પારો સતત વધી ૩૮ ડિગ્રીએ પહોંચ્યો છે. મંગળવારની સરખામણીએ બુધવારે મહત્તમ તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો નોંધાતા શહેરીજનોએ બપોરના સમયે ભારે ગરમી અને અકળામણનો અનુભવ કર્યો હતો. બુધવારે મહત્તમ તાપમાન ૩૭.૮ડિગ્રીએ પહોંચ્યું હતું. સાથે સાથે રાત્રિના સમયે પણ તાપમાનામાં સીધો ૧.૬ ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૭ ટકાથી વધીને ૩૪ ટકા થયું છે. પવનની ગતિમાં પ્રતિ કિલોમીટર ચાર થવાને કારણે બપોરના સમયે પવન ઓછો ફૂંકાયો હતો. જેના કારણે બફારાના લીધે શહેરીજનો અકળાયા હતા. આગામી એકાદ બે દિવસ તાપમાનનો પારો ૩૭થી ૩૮ ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ તેમાં થોડીક રાહત અનુભવાય તેમ છે.


આ પણ વાંચો : Surat News : સુરતના ખજોદમાં લાગેલી આગ સતત ત્રીજા દિવસે પણ યથાવત, શંકાસ્પદ રીતે લાગી છે સાઈટ પર આગ


  • Follow us on: