ગુજરાતમાં વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વઘવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે, જેના કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે જનજીવન પર તેની અસર જોવા મળી શકે છે.
શિયાળો જમાવટ કરશે!
અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ શિયાળો તેની જમાવટ કરશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પારો ગગડીને 13 થી 14 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પવનોની દિશા બદલાતા ઠંડીના નવા રાઉન્ડ માટે તૈયાર રહેવા નાગરિકોને સૂચના અપાઈ છે. તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ હવે ગરમ કપડાં બજારમાં વેચાતા જોવા મળી રહ્યા છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણાંનો સહારો લેતા પણ જોવા મળશે.
