હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી ગુજરાત માટે કરી છે જેમાં રાત્રે પણ ગરમી સહન કરવી પડશે અને સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, ગુજરાતમાં વોર્મ નાઇટની રાત્રે અસર રહેશે અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં હિટવેવની અસર રહેશે
અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, મહેસાણા,સાબરકાંઠા, આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, બીજી તરફ માર્ચમાં મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે અને માર્ચ મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે, દિવમાં 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટયો છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
ગુજરાતમાં આ જિલ્લામાં આટલી ગરમી નોંધાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી, ડીસામાં 40.7, વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 41 ડીગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી, વેરાવળમાં 40.7 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે
ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. સોમવારે બનાસકાંઠાના ડીસામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. જ્યારે મંગળવારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ હતું. સતત બીજા દિવસે પારો 41 ડિગ્રી રહ્યો હતો. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમી વધી હતી. હજુ આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.
સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી બધી ગરમી પડતી નથી
માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડા-પીણાના સ્ટોલ ઉપર લોકોની ભીડ વધવા લાગી છે. દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્ય નારાયણ તપતાં તોબાહ પોકારતી આકરી ગરમી પડી રહી છે.









