ગુજરાતમાં હાલ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જામવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રિજનની આસપાસ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનસક્રિય થયું છે, જેની સાથે તેલંગાણા તરફથી બનેલા ટ્રફની સીધી અસર પણ રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે છૂટોછવાયો વરસાદ ખાબકશે.
21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ
હવામાન વિભાગે ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓ વ્યાપક સ્તરે વધવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે, આ મેઘરાજાની સત્તાવાર બેટિંગ શરૂ થાય તે પહેલાં લોકોને ભારે ઉકળાટ સહન કરવો પડશે.
લોકોને અસહ્ય બફારા અને ગરમીનો અહેસાસ
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકોને અસહ્ય બફારા અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનની વાત કરીએ તો, આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પાટનગર ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં પારો 36 થી 40 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.
માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક ચેતવણી
બીજી તરફ, બદલાયેલા હવામાનને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ખૂબ જ તેજ થવાની શક્યતા છે. દરિયામાં કરંટ વધવાની આશંકાને પગલે હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના તમામ બંદરો અને માછીમારોને એલર્ટ રહેવા તેમજ સાવચેતીના તમામ પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી બે દિવસમાં જ ગરમીમાં ઘટાડો થતાં ચોમાસુ માહોલ સંપૂર્ણપણે જામી જશે તેવી આશા બંધાઈ છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?