અમદાવાદીઓએ હવે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. ભારત હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજથી એટલે કે 19 એપ્રિલથી 25 એપ્રિલ સુધી 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
AMC દ્વારા હેલ્થ એડવાઈઝરી જાહેર
વધતા જતા તાપમાન અને લૂ (Heatwave) ના જોખમને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો માટે ખાસ અપીલ કરવામાં આવી છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને નીકળવું પડે તો પૂરતી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન પણ 25 થી 28 ડિગ્રી વચ્ચે રહેતા રાત્રે પણ ગરમીનો અહેસાસ થશે.
ગરમીથી બચવા શું કરવું?
- પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું.
- હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ બહાર નીકળતી વખતે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.
- તાજા ફળો અને શાકભાજી લેવા, વાસી ખોરાક અને વધુ પડતી ચા-કોફી ટાળવી.
- નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓની વિશેષ કાળજી રાખવી.
લૂ લાગવાના લક્ષણોથી સાવધાન
જો તમને અચાનક માથાનો દુખાવો, ચક્કર આવવા, ખૂબ પરસેવો થવો, ઉબકા-ઉલ્ટી કે સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તે લૂ લાગવાના સંકેત હોઈ શકે છે. આવા સંજોગોમાં તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો અથવા ઈમરજન્સી સેવા 108 ની મદદ લેવી.
આ પણ વાંચો - Ahmedabad : ધંધુકામાં યુવકની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસ ન્યાય અપાવે તેવી સ્વજનોની માગ