અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વોરાના રોજા પાસે ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન હિંસક અથડામણની ઘટના બની હતી. વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં યોજાયેલા દીકરીના લગ્નમાં ઊંચા અવાજે લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા જેવી ક્ષુલ્લક બાબતે બે અલગ-અલગ કોમના વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ

લાઉડ સ્પીકરના અવાજ બાબતે થયેલી આ માથાકૂટમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો અને ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક ઘટનાને પગલે લગ્નના માહોલમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતા જ શહેરકોટડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મોડી રાત્રે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 1 સગીર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે.બંને પક્ષે રાયોટિંગ અને તોડફોડની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Banaskantha: એકલતાનો લાભ લઈ આધેડે બાળકીની છેડતી કરી, પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ