અમદાવાદના જશોદાનગર પાસે આવેલા સીટીએમ (CTM) ડબલ ડેકર બ્રિજ પર આજે એક હચમચાવતી ઘટના બની હતી. એક યુવક અચાનક ફૂટ ઓવરબ્રિજની રેલિંગ પર ચઢી ગયો હતો અને નીચે પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઈને બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક ઉભા રહી ગયા હતા. યુવકને હવામાં લટકતો જોઈ લોકોએ બૂમાબૂમ કરી હતી અને કેટલાક જાગૃત નાગરિકોએ જીવના જોખમે યુવક પાસે પહોંચી તેને પકડી રાખ્યો હતો. લોકોએ તેને વાતોમાં પરોવી રાખ્યો હતો અને આખરે હેમખેમ પકડીને બ્રિજ પરથી નીચે ઉતારી લીધો હતો.
સીટીએમ બ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ યુવક ઘરેલું ઝગડા અને પારિવારિક કંકાસથી કંટાળી ગયો હતો, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. બ્રિજ પર લોકોએ તેને શાંત પાડી પાણી પીવડાવ્યું હતું અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવાની સમજ આપી હતી. લોકોની સતર્કતાને કારણે એક વ્હાલસોયા યુવકનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. બાદમાં આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી હતી.













