ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી એક રીઢા તસ્કરને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ આરોપીની ધરપકડ સાથે વાંસદા, આહવા અને ડાંગ જિલ્લાના અનેક વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યંત સાતિર રીતે ચોરીને અંજામ આપતો હતો. તે ટુ-વ્હીલરના શો-રૂમમાં જતો અને ગ્રાહક બનીને ટેસ્ટ ડ્રાઈવની માંગણી કરતો હતો. એકવાર બાઈક હાથમાં આવ્યા બાદ તે ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈને ફરાર થઈ જતો હતો. વાંસદા અને આહવા વિસ્તારમાં આ પ્રકારે તેણે અનેક લોકોને ચૂનો લગાવ્યો હતો.
વિવિધ વિસ્તારોમાં ચોરીની કબૂલાત
પકડાયેલા આરોપીએ માત્ર બાઈક જ નહીં, પરંતુ પીક-અપ વાન અને ઇલેક્ટ્રિક સાધનોની ચોરીની પણ કબૂલાત કરી છે. આરોપી પાસેથી ચોરીની ત્રણ બાઈક, સ્ટાર્ટર બોર્ડ, મોટર અને વાયર જેવો ઇલેક્ટ્રિક સામાન રિકવર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના ગાઢવી ગામ પાસે આવેલા ઝરણામાંથી સબમર્સિબલ પંપ ચોર્યા હોવાની પણ તેણે કબૂલાત કરી છે.
બોર્ડર પરથી ફિલ્મી ઢબે ધરપકડ
વઘઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી તેને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ દ્વારા આ આરોપી અન્ય કોઈ મોટી ગેંગ સાથે જોડાયેલો છે કે કેમ અને તેણે અન્ય કયા સ્થળોએ ચોરી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો