ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા શામગહાન રેન્જમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા દીપડાના આતંક વચ્ચે વન વિભાગને મોટી સફળતા મળી છે. લહાનમાંળુગા ગામે પશુપાલક પર થયેલા જીવલેણ હુમલા બાદ સક્રિય થયેલા વન વિભાગે એક માદા દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. જોકે, અન્ય વિસ્તારોમાં હજુ પણ દીપડાની અવરજવર હોવાથી વન વિભાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વ્યૂહાત્મક ઓપરેશન અને સફળતા
દક્ષિણ ડાંગ વન વિભાગના DCF નિરજકુમારના સીધા માર્ગદર્શન હેઠળ શામગહાન રેન્જના RFO ચિરાગભાઈ માછી અને તેમની ટીમે દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક ગોઠવણી કરી હતી. લહાનમાંળુગા ગામમાં હુમલાની ઘટના બાદ વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગત રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળેલી અંદાજે દોઢ વર્ષની માદા દીપડી વન વિભાગના પાંજરામાં કેદ થઈ ગઈ હતી. દીપડી પકડાઈ હોવાના સમાચાર મળતા જ સ્થાનિક ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
હુંબાપાડામાં દીપડો ઘરમાં ઘૂસતા ફફડાટ
એક તરફ એક દીપડી પાંજરે પુરાઈ છે, ત્યારે બીજી તરફ બાજુના હુંબાપાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નિવૃત્ત ફોરેસ્ટરના ઘરમાં દીપડો ઘૂસી જવાની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ વન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.
વન વિભાગ હજુ પણ એલર્ટ મોડ પર
વન વિભાગ તપાસ કરી રહ્યું છે કે, પશુપાલક પર હુમલો કરનાર આ જ માદા દીપડી હતી કે અન્ય કોઈ નર દીપડો. અન્ય વિસ્તારોમાં પણ દીપડાની હાજરી હોવાના પુરાવા મળતા, વન વિભાગે હુંબાપાડા અને લહાનમાંળુગા ગામે વધારાના પાંજરા ગોઠવ્યા છે. વન કર્મચારીઓ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.
ગ્રામજનો માટે વન વિભાગની એડવાઈઝરી
વન વિભાગે ગ્રામજનોને અત્યંત સાવધ રહેવા અપીલ કરી છે કે,
- રાત્રિના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું.
- પશુઓને સુરક્ષિત કોઢમાં રાખવા.
- જો કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો.
આ પણ વાંચો -Dang: સુબીરના જંગલમાં દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાધો, દાદીની નજર સામે પૌત્રનું મોત